વલસાડ જિલ્લા પોલીસે “મિશન મિલાપ” અભિયાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે. ગત ઓગષ્ટ 2023થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત માત્ર 1 વર્ષ 10 મહિનામાં જ 1125 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દેશભરમાં શોધખોળ અભિયાન ચલાવ્યું હતું. “મિશન મિલાપ” અભિયાન અંતર્ગત 399 અપહરણના કેસોમાં બાળકો સહિતના વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ 726 યુવક-યુવતીઓને, જેઓ ઘરેલુ વિવાદ કે, અન્ય કારણોસર ઘર છોડી ગયા હતા. તેમને પણ શોધીને પરિવાર સાથે જોડવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં આવેલી 5 GIDCમાં વિવિધ રાજ્યોમાંથી આવતા 4 લાખથી વધુ શ્રમિકોને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સફળ અભિયાનને કારણે વલસાડ પોલીસને દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં પ્રતિષ્ઠિત SKOCH National Awardથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતમાં “મિશન મિલાપ” અભિયાનની પહેલ કરનાર વલસાડ પ્રથમ જિલ્લો બન્યો છે.
