-
ગુજરાતના શ્રમમંત્રીનો અથાક પરિશ્રમ
-
સિરામીક ટાઉન મોરબીને હરિયાળું બનાવ્યું
-
વનરાજી ઉભી કરવા 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું
-
પાંજરાપોળ ટ્રસ્ટની જમીનમાં કર્યું વૃક્ષારોપણ
-
મુખ્યમંત્રીના હસ્તે વનકવચનું થયું હતું લોકાર્પણ
કોઈ વ્યક્તિ જ્યારે મક્કમ નિર્ણય કરી કંઈક કરવાનો નિર્ધાર કરે ત્યારે શું ન થઈ શકે? રાજ્યનાં શ્રમમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં દસ લાખ વૃક્ષો વાવી વનકવચ ઉભું કર્યું છે.મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ -2 ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયું હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી છે.
64 વર્ષીય કાંતિલાલ અમૃતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે.હવે તેઓ પોતાનું શેષ જીવન પ્રકૃતિ સંરક્ષણ માટે સમર્પિત કરવા ઈચ્છે છે.કાંતિલાલે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની પણ માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય.
