ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂને) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિતની આગેવાની વાળી ભારતીય ટીમે 6 રને શાનદાર જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમેરિકા પહોંચેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેની તબિયત લથડી હતી અને હાર્ટ એટેક આવતા તેનું નિધન થયું હતુ.

અમોલ કાલેને દેવેન્દ્ર ફડણવીસની નજીક માનવામાં આવતા હતા. જણાવી દઈએ કે, અમોલ MCAના અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાનની મેચ જોવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ મેચ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.અમોલ કાલે ગત વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના અધ્યક્ષ બન્યા હતા. બીસીસીઆઈના કોષાધ્યક્ષ આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના અમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટિલને હરાવ્યા હતા.