-
એકતા નગર-SOU ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં વધારો
-
પ્રવાસીઓને વિસ્તૃત માર્ગદર્શન મળે તેવો સરકારનો હેતુ
-
1 હજાર યુવાનોને પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઇડની તાલીમ આપી
-
મફત તાલીમ મેળવી યુવાનોએ રોજગારીની નવી તકો સર્જી
-
SUO ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળ્યો
નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ ખાતે આવતા પ્રવાસીઓને વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે 1 હજાર યુવાનોને પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઇડની મફત તાલીમ આપી રોજગારીની નવી તકો સર્જી છે.
વિશ્વના નકશા પર ચમકતા નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં મોટો વધારો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ‘ જાહેર કરી રાજ્ય સરકારે 1 હજાર યુવાનોને પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઇડની મફત તાલીમ આપી રોજગારીની નવી તકો સર્જી છે. આ સંશોધન આધારિત સત્તાવાર તાલીમના કારણે સ્થાનિક આદિવાસી યુવાનો આત્મનિર્ભર બન્યા છે, અને દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે.
નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓ માટે હવે સફર વધુ રોમાંચક બની છે. અહીં તૈનાત ખાસ તાલીમબદ્ધ ગાઇડ્સ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઇતિહાસ સહિત જંગલ સફારી, મિયાવાકી ફોરેસ્ટ અને આરોગ્ય વનની સચોટ માહિતી મુલાકાતીઓની જ ભાષામાં સહજતાથી આપી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા આશરે 150 સ્થાનિક આદિવાસી યુવાનોને વિનામૂલ્યે વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ આધારિત તાલીમથી યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે, અને તેમની ભાષા શુદ્ધ બની છે.
જોકે, હાલમાં 120થી વધુ ગાઇડ્સ અહીં કાર્યરત હોવાથી સ્થાનિક પરિવારોને આર્થિક સ્થિરતા મળી છે, અને રોજગારી માટે થતું સ્થળાંતર અટક્યું છે. પ્રવાસીઓ સાથે શ્રેષ્ઠ સંવાદ સાધી શકાય તે માટે આ ગાઇડ્સને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. સરકારની આ સફળ પહેલ માત્ર એકતા નગર પૂરતી મર્યાદિત નથી. પરંતુ ધોળાવીરા, લોથલ અને રાજ્યના અન્ય પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પણ અમલી બની છે, જે વૈશ્વિક પ્રવાસીઓની યાત્રાને વધુ યાદગાર બનાવી રહી છે.
