નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે દિવાળી વેકેશન હોવાથી કેવડીયામાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કેવડિયામાં માત્ર દેશના જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂને જોવા અચૂક આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે, ત્યારે કેવડીયાની આસપાસ અલગ-અલગ માણવાલાયક 21થી વધુ પ્રોજેક્ટ નિર્માણ પામ્યા છે. ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે.
આમ તો, ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાના બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. જોકે, દિવાળીના મીની વેકેશનમાં છેલ્લા 4 દિવસમાં અહી 1 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા છે, ત્યારે અહી પ્રવાસીઓની ભીડ થતાં ખાનગી બસો પણ બોલાવવામાં આવી છે. આ સાથે જ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
