દાહોદની હાડા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રૂ. 15.15 લાખ રોકડની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી પાડી મોટી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

દાહોદમાં ગત તા. 15 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે લગભગ 3 વાગ્યે હાડા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. હોસ્પિટલના OPD નં. 01ના ટેબલના 3 ડ્રોઅરના તાળા તોડીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે 18 ફેબ્રુઆરી 2026 ના રોજ દાહોદ ટાઉન બી’ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લાખોના મત્તાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આમલી-ખજુરિયા ગામના વિજય ઉર્ફે ગીમા પાંગળા મીનામા અને અમરા ઉર્ફે અમરસિંગ ધીરસિંગ પલાસને ઝડપી પાડી, ચોરી થયેલી પૂરેપૂરી રકમ 15.15 લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા છે. પૂછપરછમાં આરોપીઓએ ચોરી કબૂલી હતી. આ સાથે જ પોલીસે તેમના પાસેથી રૂ. 15.15 લાખની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.