નવસારી : લીમઝર આરોગ્ય કેન્દ્રમાં કોરોના દર્દીઓની હાલત બની કફોડી, અસુવિધાઓ સામે લોકો બન્યા લાચાર

New Update
નવસારી : લીમઝર આરોગ્ય કેન્દ્રમાં કોરોના દર્દીઓની હાલત બની કફોડી, અસુવિધાઓ સામે લોકો બન્યા લાચાર

કોરોના મહામારીને લઈને આરોગ્ય વિભાગમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કામે લાગી છે. પરંતુ નવસારી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસના પગલે આરોગ્ય વિભાગ સુવિધાઓ ઊભી કરવાના બદલે વાંસદા તાલુકાનું લીમઝર આરોગ્ય કેન્દ્ર અસુવિધાઓથી પીડાઈ રહ્યું છે. જેના પગલે કોરોનાના દર્દીઓની હાલત દિવસેને દિવસે કફોડી બની છે.

નવસારી જિલ્લામાં કોરોના અતિ વિસ્ફોટક પરિસ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાની સ્થિતિ વિકટ બની છે. ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પોઝિટિવ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રો પર અસુવિધાઓના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાંસદા તાલુકામાં આવેલું લીમઝર આરોગ્ય કેન્દ્ર આ વાતની ખાતરી પુરાવે છે. લીમઝર ખાતે તાલુકાનું સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જેમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને હાલ 23થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આ આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા દવા અને ઇન્જેક્શન પણ નથી. જોકે અહીના તબીબો દ્વારા અનેકવાર ઓક્સિજનનના બોટલ અને પૂરતા પ્રમાણમાં દવા સહિત ઈન્જેકશનના જથ્થાની રજૂઆત જિલ્લા આરોગ્ય વિભાગને કરવામાં આવી છે. પરંતુ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

નવસારી જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણના કારણે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો સહિત તાલુકામાં આવેલ આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ ગયા છે. જિલ્લામાં તબીબોને ઓક્સિજન માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ કરવા કે કેમ તે મામલે પણ તબીબો અસમંજસમાં મુકાઈ ગયા છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર સહિત કલેકટરને તાલુકામાં આવેલ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઇ છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દર્દીઓને સુવિધા પૂરી પાડવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું તેવા આક્ષેપ પણ કરાયા છે.

Latest Stories