અમદાવાદમાં શહેરમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં એક ટેકનોલોજીકલ બદલાવની તૈયારી પૂર્ણ દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર વિભાગની 100 જેટલી ગાડીઓને GPS ટ્રેકરથી સજ્જ કરી નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે સાંકળી લેવામાં આવી છે, જેનાથી આગ કે અન્ય કોઈપણ હોનારત સમયે રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમદાવાદ સહિત જામનગર, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રીતે નવી સેવા શરૂ કરી દેવામાં આવી છે જેમાં તમે 112 પર કોલ કરીને હવે પોલીસની જેમ ફાયરબ્રિગેડને તરત જ બોલાવી શકશો.
અગાઉ 101 કે 112 પર આવતા કોલને ફાયર કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરીને વાહનો રવાના કરવામાં કિંમતી મિનિટો વેડફાઈ જતી હતી. આ પરંપરાગત અને સમય માંગી લેતી પ્રક્રિયાના વિકલ્પે હવે ફાયર વિભાગના 100 જેટલા ઇમરજન્સી વાહનોને GPS ટ્રેકર, ડિજિટલ ટેબલેટ અને હાઈટેક કેમેરા સિસ્ટમથી સજ્જ કરાયા છે. હવે 112 કંટ્રોલ રૂમની સ્ક્રીન પર જ ઘટનાસ્થળથી સૌથી નજીક રહેલા વાહનની લાઈવ પોઝિશન દેખાશે અને કોલ આવતાની સાથે જ નજીકના ફાયર ટેન્ડરના ડ્રાઈવરના ટેબલેટ પર લોકેશન, નેવિગેશન અને સૌથી ટૂંકા રસ્તાનો મેસેજ પહોંચી જશે.
