-
અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાના સુકાન સંભાળતા પ્રમુખ
-
પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયાએ વિધિવત કાર્યભાર સંભાળ્યો
-
ભુદેવના મંત્રોચ્ચાર અને બ્રહ્માકુમારીઝ બહેનોના આશીર્વાદ સાથે ચાર્જ લીધો
-
દીકરી અહાનાના હસ્તે પૂજાવિધિ કરાવી પ્રમુખે કાર્યભાર સંભાળ્યો
-
પ્રમુખે પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી
અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયાએ આજે વિધિવત રીતે પાલિકાતંત્રમાં સત્તાનું સુકાન સંભાળી લીધું છે.
અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષોલ્લાસના વાતાવરણમાં પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનોએ પણ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયાને તિલક કરીને પ્રગતિ અને સફળતાના શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ મંગલમય પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો જોવા મળ્યો હતો, જ્યાં દીકરી અહાના દિપતેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજાવિધિ અને આરતી કરવામાં આવી હતી. દીકરીના શુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ, પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો.
પદભાર સંભાળતાની સાથે જ તેમણે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રસંગે પાલિકાના અન્ય સભ્યો, આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રમુખને આવકાર્યા હતા.
