જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ધમકી આપવાનો મામલો
ધારાસભ્ય સહિત પરિવારને મારી નાખવાની અપાય હતી ધમકી
ધમકી આપી રૂ. 30 લાખ ખંડણી માંગનાર મુખ્ય આરોપી ઝડપાયો
ખંડણી માંગનાર મુખ્ય આરોપી સમીર બ્લોચની મુંબઈથી ધરપકડ
સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ સાથે પોલીસની કાર્યવાહી
જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ધમકી આપી રૂ. 30 લાખની ખંડણી માંગનાર મુખ્ય આરોપીની જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આશ્રમના નામે રૂ. 30 લાખની ખંડણી મંગાઈ હતી. ત્યારબાદ ફરી એક અન્ય અજાણ્યા નંબર પરથી કોલ કરીને આરોપીએ ધમકી આપી હતી કે, "ગુજરાત પોલીસ મારું કંઈ બગાડી શકશે નહીં." તેણે ધારાસભ્યને 'હોશિયારી' ન કરવાની ચીમકી આપી રૂ. 5 લાખનું આંગડીયું કરી આપવાનું કહ્યું હતું. આ અજાણ્યા નંબરો પરથી સતત ખંડણીની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.
આરોપીઓએ વોટ્સએપ કોલ પર ગાળો આપી અમદાવાદના રોનક ઠાકોરના નામે આંગડિયુ કરવાનું કહ્યું હતું. આ કેસમાં પોલીસે રોનક ઠાકોર નામના વ્યક્તિને અમદાવાદમાંથી અને જ્હોન બલોચ નામના વ્યક્તિને વેરાવળથી ઝડપી લીધો હતો, ત્યારબાદ મુખ્ય આરોપી એવા સમીર બ્લોચની જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ રોનક ઠાકોર, ઇમરાન ઉર્ફે જ્હોન બ્લોચ અને મુખ્ય સૂત્રધાર સમીર બ્લોચ ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા.