સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા તેમજ કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેરકાયદેસર કબજો કરવાની પ્રવૃતિ નાબુદ કરવા લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.ઓ તથા સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સમગ્ર જીલ્લા વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં આયોજીત લોકસંપર્કના પ્રથમ તબકકામાં અગાઉ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને લીંબડી ખાતે અવારનવાર લોકસંપર્ક કરવામાં આવતા સારો એવો પ્રતિસાદ સાપડ્યો હતો. પીડીત નાગરીકો દ્વારા કરવામાં આવેલી રજુઆત/ફરીયાદોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જે મુહિમને આગળ ધપાવવા તેમજ વ્યાજખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરી વ્યાજખોરી સંપુર્ણ નાબુદ કરવા, માથાભારે લુખ્ખા, આવારા તત્વો દ્વારા શહેરના સારા અને પ્રતિષ્ઠિત નાગરીકોની કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેર-કાયદેસર કબજો કરી પોતાની ધાક જમાવી, કિંમતી જમીન તથા મિલ્કતો પચાવી પાડવી, ખંડણી માંગવી, જેવી અસમાજીક પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. આ લોકસંપર્કમાં વ્યાજખોરો સામે ભોગ બનેલા સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને વ્યાજખોરીમાંથી મુક્ત કરાવી વ્યાજખોરીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે જીલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે. જે કોઇ વ્યકિતએ નાણા ધીરનાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલી હોય, તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ, ચેક અને તેઓને આપેલા નાણા વ્યાજ ચુકવી આપેલા હોય છતાં છેતરપીંડી કે, વિશ્ચાસધાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે અને તેમની રજુઆતો સાંભળી સંપુર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે. આ સિવાય માથાભારે તત્વો દ્વારા જમીન તથા મિલ્કતો ઉપર ગેર-કાયદેસર કબ્જો કરેલ હોય અને જે કબ્જો ખાલી કરતા ન હોય તેવા પીડીત માણસોને પણ સાંભળવામાં આવશે. જેથી આ લોકસંપર્કમાં રજુઆત કરી “એક તક પોલીસને” આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી છે.
