/connect-gujarat/media/media_files/2025/07/15/tesla-2025-07-15-16-36-19.jpeg)
એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ 15 જુલાઈ, મંગળવારના રોજ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ પોતાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં ખોલ્યો છે.
આ ઉપરાંત, કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કરી છે. ભારતમાં ટેસ્લા મોડેલ Y ની શરૂઆતની કિંમત ₹60 લાખ (લગભગ $ 70,000) રાખવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પણ શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું.
શોરૂમમાં સફેદ દિવાલ પર કાળા રંગમાં ટેસ્લાનો લોગો એમ્બોસ્ડ જોવા મળ્યો. કાચની પેનલ પાછળ આંશિક રીતે ઢંકાયેલી Model Y કારે ત્યાં હાજર લોકોને આકર્ષિત કર્યા. ટેસ્લા હાલમાં ભારતમાં Model Y ના બે વેરિયન્ટ્સ ઓફર કરે છે - રીઅર-વ્હીલ ડ્રાઇવ વેરિયન્ટની કિંમત રૂ. 60.1 લાખ ($70,000) અને લોંગ-રેન્જ વેરિયન્ટની કિંમત રૂ. 67.8 લાખ ($79,000) છે.
આ કિંમતો યુએસ, ચીન અને જર્મની જેવા બજારો કરતા ઘણી વધારે છે. જેમ કે Model Y ની કિંમત યુએસમાં રૂ. 38.6 લાખ ($44,990), ચીનમાં રૂ. 30.5 લાખ ($36,700) અને જર્મનીમાં રૂ. 46 લાખ ($53,700) છે. ભારતમાં આટલી ઊંચી કિંમતોનું મુખ્ય કારણ ભારે ઈમ્પોર્ટ ડ્યુટી છે.
મોડેલ Y એક મધ્યમ કદની ઇલેક્ટ્રિક SUV છે જે પાવરફુલ બેટરી પેકથી સજ્જ છે. આ વૈશ્વિક મોડેલ એક ચાર્જ પર 574 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઉપરાંત, ટેસ્લા ભારતીય બજારમાં તેના મોડેલ 3 અને મોડેલ X પણ રજૂ કરી શકે છે, જોકે મોડેલ X ખૂબ મોંઘું હશે.
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો (EV) ની ભાગીદારી હજુ પણ મર્યાદિત છે. આનું કારણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અને ઇલેક્ટ્રિક કારની ઊંચી કિંમતો માનવામાં આવે છે. ટેસ્લાની એન્ટ્રીથી EV માર્કેટમાં હલચલ થવાની ધારણા છે.
શરૂઆતમાં ટેસ્લા ભારતમાં ઇમ્પોર્ટેડ કાર લાવી રહી હોવા છતાં, ભવિષ્યમાં અહીંના બજારની માંગને આધારે કંપની તેની વ્યૂહરચના બદલી શકે છે. એવા પણ સમાચાર છે કે કંપની ભારત જેવા બજાર માટે એક સસ્તા મોડેલ પર પણ કામ કરી રહી છે.
ટેસ્લાએ ભારતમાં તેનું પહેલું એક્સપીરીયન્સ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શરૂ કર્યું છે. આ પછી, કંપની નવી દિલ્હીમાં બીજું અને બેંગલુરુમાં ત્રીજું એક્સપીરીયન્સ સેન્ટર ખોલવાની તૈયારી કરી રહી છે.
tesla | Tesla Company | Tesla cars | CEO Elon Musk | Mumbai