રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી
પાટણની વિરાસત હવે સુરેન્દ્રનગરમાં
પટોળાં ઉત્પાદનનું બન્યું નવું ગ્લોબલ હબ
રાજ્યના 70 ટકા પટોળાનું ઉત્પાદન
નારીશક્તિના યોગદાનથી વિશ્વમાં રચ્યો ઇતિહાસ
પાટણની વિરાસતે હવે સુરેન્દ્રનગરમાં નવો અવતાર ધારણ કર્યો છે, અને રાજ્યના 70 ટકા પટોળા ઉત્પાદનનું ગ્લોબલ હબ બનીને વિશ્વમાં ભારતની શાન વધારી છે.
દર વર્ષે 7 ઓગસ્ટ ભારતમાં ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ’ ઉજવવામાં આવે છે. દેશની સમૃદ્ધ વણાટપરંપરાની વાત થાય ત્યારે પાટણના પટોળાંનું નામ સહજ રીતે યાદ આવે, પરંતુ આજે આ જ ઐતિહાસિક વારસો સુરેન્દ્રનગરમાં એક નવો અવતાર ધારણ કરીને સ્થિર થયો છે. હાલ સુરેન્દ્રનગર રાજ્યના 70 ટકા પટોળા ઉત્પાદનનું ગ્લોબલ હબ બની ચૂક્યું છે. જિલ્લાની 4,000થી વધુ હથશાળ પર 10,000 જેટલા વણકર પરિવારો આ કળા સાથે જોડાયેલા છે, જે વાર્ષિક રૂપિયા 175 કરોડનો કારોબાર ઊભો કરે છે.GI ટેગ, સરકારી પ્રોત્સાહન અને 90 ટકા મહિલા કારીગરોના યોગદાનથી સુરેન્દ્રનગરનું પટોળુ આજે વિશ્વભરમાં ભારતની શાન વધારી રહ્યું છે.
સાયલા, વઢવાણ, લીંબડી અને મુળી પટોળાં નિર્માણના મુખ્ય કેન્દ્રો છે. એક પટોળું તૈયાર કરવામાં 15 દિવસથી લઈને 3 મહિના જેટલો સમય લાગે છે. કારીગરોના અથાક પરિશ્રમ અને ધૈર્યને કારણે જ આ પરંપરાગત વણાટકળા માત્ર એક વસ્ત્ર નહીં, પરંતુ ગુજરાતનું ગૌરવ બની રહી છે.
આ ઉદ્યોગ મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે,અહીં 90 ટકા ઉત્પાદન કાર્ય મહિલાઓ અને માર્કેટિંગ પુરુષો સંભાળે છે. જિલ્લાની 150 સહકારી મંડળીઓ રંગાઈ તથા વણાટકામ દ્વારા હજારો કારીગરોને રોજગારી પૂરી પાડે છે.GI ટેગ અને વિવિધ પ્રદર્શનોના માધ્યમથી આ કળાને વૈશ્વિક સ્તરે નવું મંચ મળ્યું છે.
સુરેન્દ્રનગરના પટોળા આજે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈ સુધી નિકાસ થાય છે. દેશની અનેક નામાંકિત હસ્તીઓ પણ તેની ચાહક છે. વણકરોના પરિશ્રમ અને વારસાના આ સંગમથી સુરેન્દ્રનગરની પટોળાં કળા આજે વિશ્વમંચ પર ચમકી રહી છે.
