ચોમાસાની સિઝનમાં ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં મગરની હાજરી જોવા મળી રહી છે જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં અંકલેશ્વરના ઉમવાડા રોડ પર આવેલી બાગે ફિરદોશ સોસાયટી પાછળ આમલાખાડીની બાજુમાં આવેલા તળાવમાં મગર જોવા મળ્યો હતો. મગર દેખાતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત ભરૂચ તાલુકાના લુવારા ગામના તળાવમાં પણ મગર દેખાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને તળાવ નજીક બાળકો તથા પશુઓને ન લઈ જવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પહેલાં ભરૂચ-અંકલેશ્વર રોડ પર આવેલી ભૂત મામાની ડેરી નજીક પણ મગર નજરે ચઢ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક પછી એક સ્થળોએ મગર દેખાવાની ઘટનાઓને પગલે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી મગરને સુરક્ષિત રીતે પકડી યોગ્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે. સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે મગર દેખાય તો તેની નજીક ન જાય, તેને ઉશ્કેરે નહીં અને તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરે.