વાવ થરાદ નવો જિલ્લો બન્યો પરંતુ સમસ્યા યથાવત

નવો જિલ્લો મળ્યો પરંતુ પ્રજાની કિસ્મત પણ ન બદલાય

મેઘરાજાએ ખમૈયા કર્યા બાદ પણ જળબંબાકારની સ્થિતિ

ઘણા વિસ્તારો હજુ પણ જળમગ્ન રહેતા સ્થાનિકો પરેશાન

પ્રાંત અધિકારી અને મામલતદારના સરકારી ઘર પણ જળમગ્ન   

વાવ થરાદ નવો જિલ્લો બન્યો પરંતુ પ્રજાની કિસ્મત બદલાઈ ન હોવાનું ફલિત થઇ રહ્યું છે. આ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ તંત્રના પાપે જળબંબાકારની પરિસ્થિતિ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વાવ થરાદ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદે તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાની વિઝિબિલિટી ઝીરો કરી નાખી છે. વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં, થરાદની ઘણી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે.

સ્થાનિકો રોગચાળાના ભય નીચે અને નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.બીજી બાજુ ટેલિફોન એક્સચેન્જની પાછળ આવેલી વસાહતમાં તો સ્થિતિ વણસી ચૂકી છે. આ વિસ્તારમાં જળબંબાકાર થતાં આશરે 15 જેટલા પરિવારો પોતાના પશુધનને સાથે લઈને પોતાના સગા-સંબંધીઓને ત્યાં રહેવા કરવા મજબૂર બન્યા છે. ઘરવખરી પલળી ગઈ છે અને માલધારીઓ બેહાલ બન્યા છે.

જે વહીવટી તંત્ર પાસે જનતા ઉકેલની આશા રાખે છે એ જ તંત્ર લાચાર સાબિત થયું છે. થરાદના પ્રાંત અધિકારી અને મામલતદારના સરકારી બંગલાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત તો એ છે કે, સાહેબોના ઘરના પાણીનો પણ હજુ સુધી નિકાલ થઈ શક્યો નથી! જો અધિકારીઓના ઘરના આ હાલ હોય, તો સામાન્ય જનતાની ફિકર કોણ કરે? એ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.