આસામમાં કુદરતે ભારે વિનાશ વેર્યો છે,ભારે વરસાદને પગલે મુખ્ય નદીઓમાં પૂરના પાણીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે,અને આ ગંભીર પરિસ્થિતિમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આસામમાં ગત અઠવાડિયે ધોધમાર વરસાદ વરસતા બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ દિખાઓ, દિસાંગ અને ધનસીરીમાં ભયજનક સપાટી ઉપર પાણી વહેતા થયા છે,જેને પરિણામે આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે.આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ અત્યાર સુધી માં 66 લોકો ના જીવ ગયા હોવાનું જણાવ્યું છે.1.15 લાખથી વધુ લોકો રાહત કેમ્પમાં છે અને 7.2 લાખ કરતા વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
આ પૂરની મુખ્યત્વે અસર ઉત્તરી આસામના ચરાઇદેઓ ,શિવસાગર અને જોરહટ જિલ્લાઓમાં જોવા મળી છે.27 જુલાઈ,સોમવારે અમુક ભાગોમાં વરસાદ બંધ થતાં પાણી થોડા અંશે ઓસર્યા હતા અને પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.હજુ પણ રેસ્ક્યુ ટીમો દ્વારા પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે.
