પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના ડૉકટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ડૉકટરો સાથેની આ ચર્ચા દરમિયાન PM મોદી ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોરોના વિરૂદ્ધની લડતમાં ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે.
PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું સમગ્ર કાશીવાસીઓનો આભારી છું, ખાસ કરીને અહીંયાના ડૉકટર, નર્સ તથા અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓનો જેમને આ કપરાકાળમાં પણ લોકોની સેવા કરી છે. આ તમામ આરોગ્ય કર્મચારીઓની કામગીરી અત્યંત પ્રશંસનીય છે. આ વાયરસ, આપણા સ્વજનોને પણ ભરખી ગયો છે. હું એ તમામ લોકો શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યો છું, જેમને કોરોના મહામારી સામે લડત આપતા-આપતા પોતાનો જીવ ગુમાવ્યો છે. મારી સાંત્વના પણ તેમના પરિવારજનો સાથે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના મહામારીમાં દરેક દેશવાસીએ પોતાના રક્ષણ માટે એક અંગત લડાઈ પણ લડવાની છે. અત્યારે આ વાયરસનું સંક્રમણ પહેલા કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશની હોસ્પિટલોમાં દર્દીઓને પણ વધુ સમય સુધી દાખલ રહેવું પડે છે. આ મહામારીએ દેશની આરોગ્ય વ્યવસ્થાને ખોરવી દીધી છે.
PM મોદીએ વારાણસીનાં ડૉકટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આપણે સૌ વારાણસીમાં કોરોના વાયરસને કાબૂમાં લાવવા માટે સફળ રહ્યા છીએ. પરંતુ અત્યારે દરેકનું ધ્યાન વારાણસી અને પૂર્વાંચલનાં ગામને બચાવવા પર કેન્દ્રીત હોવું જોઇએ. PM મોદીએ મહામારીને નાથવા માટે મંત્ર આપ્યો હતો કે 'જ્યાં બીમાર, ત્યાં સારવાર'. આ મંત્રને અનુસરીને પ્રધાનમંત્રી મોદીએ આગામી સમયમાં વધુ સતર્ક રહેવાની જાણકારી આપી હતી.
PM મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેરમાં સતત દિવસ-રાત કાર્યરત ડૉકટરોએ વેક્સિનના ડોઝ લીધા હોવાને કારણે સંક્રમિત થયા વગર લોકોની સારવાર કરી હતી. કોરોના સંક્રમણનાં કપરાકાળમાં દરેક વ્યક્તિએ વેક્સિનને પોતાનું સુરક્ષાકવચ અને અંગત જવાબદારી માનીને લેવી જોઇએ.
વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે બધા એક અજ્ઞાત શત્રુનો સામનો કરી રહ્યા છે, જે સમયાંતર વેશ બદલીને હુમલો કરે છે. આગામી સમયમાં આપણે બાળકોને સુરક્ષિત રાખવાના છે. પીએમ મોદીએ આ અંગે વધુ સતર્કતા દાખવવા અપીલ કરી હતી. તેઓએ બ્લેક ફંગસનાં રોગ અંગે પણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
કોરોનાની બીજી લહેર અને બ્લેક ફંગસ રોગના કહેર વચ્ચે નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યનાં સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરીને મહામારીને નાથવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. વારાણસીના ડૉકટરો સાથે ચર્ચા વિચારણા કર્યા પહેલા મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં 100 જિલ્લાનાં ડીએમ સાથે પણ વાતચીત કરી હતી.