બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને કબજામાં લીધા બાદ મુંબઈ પોલીસની ટીમ તેમને લઈને મુંબઈ જવા રવાના થઈ હતી. આ દરમિયાન પોલીસનો કાફલો ભરૂચ નજીકથી પસાર થયો હતો.

મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારે સાંજે અભિનેતા ટાઈગર શ્રોફ એક ફૂટબોલ ક્લબમાંથી પોતાની કારમાં બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની કારને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા શખ્સોમાંથી બે શખ્સોએ ટાઈગર શ્રોફની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે.ફાયરિંગની ઘટના બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા.

તપાસ દરમિયાન પોલીસને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક મુંબઈના અંધેરી વિસ્તારમાંથી મળી આવી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસ આરોપીઓના ભાગવાના માર્ગ સુધી પહોંચી હતી.તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓ મુંબઈથી સુરત પહોંચ્યા હતા અને ત્યારબાદ સુરત રેલવે સ્ટેશનથી પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ રાજસ્થાન તરફ રવાના થયા હતા.

મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસ વચ્ચે સંકલન સાધીને કાર્યવાહી કરવામાં આવી હતી. આખરે રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.ત્રણેય આરોપીઓને ઝડપી લીધા બાદ મુંબઈ પોલીસ તેમને આગળની તપાસ માટે મુંબઈ લઈ જઈ રહી છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં તેમની ભૂમિકા અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.