પાલિકાના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું

કોંગ્રેસના ચૂંટાયેલા પાલિકાના સભ્યો દ્વારા આક્ષેપ કરાયો

વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોમાં પારદર્શિતાનો અભાવ

સત્તાધારી પક્ષ-પાલિકા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો

નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી : ચીફ ઓફિસર

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાના આક્ષેપ સાથે સત્તાધારી પક્ષ અને પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું કે, તા. 17 જુલાઈ-2026’ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે, મતદાન વગર જ સભા પૂર્ણ કરી હતી.

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે, હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 70 હજાર ફી માંગવામાં આવી હતી, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે. કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગેલી માહિતી વિનામૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે, આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. 1ના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામોની વિગતો, ટેન્ડરની નકલ સહિત 40 હજારથી વધુ પાનાંની માહિતી માંગવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્સ કરાવવા માટેનો ખર્ચ વસૂલવાનો પત્ર પાલિકાના નિયમો મુજબ જ આપવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો આ ખર્ચ પાલિકા ઉઠાવે તો જાહેર નાણાંનું આર્થિક નુકસાન થાય, તેથી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે.