દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને કોરોના મહામારીમાં લોકોને રાહત પહોચાડવા માટે પ્રયત્નશીલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે, ત્યારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાદપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો.
વિડીયો કોન્ફરન્સમાં સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તા. ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૨ હજાર બેડ હતા અને તેની સામે હાલ રાજ્યમાં ૯૦ હજાર બેડ ઉપલબ્ધ છે. ૧૮૦૦થી વધુ કોવિડ હોસ્પિટલોમા ૧૧,૫૦૦ આઇ.સી.યુ. બેડ અને ૫૧ હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને ૫૦ હજારની સામે ૧.૭૫ લાખ કરવામાં આવ્યા છે. જેમાં ૭૦ હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે. કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કહ્યું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતોવખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ ૩૦,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં ૨૦ હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. રાજ્યમાં હાલ મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત છે, જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. ગુજરાતમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ ખૂબ વધી છે. તેને પહોંચી વળવા માટે પણ પ્રયત્નો થઇ રહ્યા છે. સમગ્ર બેઠકમાં ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ , મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.