પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે. પીએમએ હૈદરાબાદમાં કહ્યું- ભારત પર આ વૈશ્વિક સંકટની અસર વધુ છે, આપણી પાસે તેલના મોટા કૂવા નથી. તેમણે કહ્યું કે જે શહેરોમાં મેટ્રો છે, ત્યાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે. કારપુલિંગ કરે. આજે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોવિડ-19 મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું કે તે દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમ‘, ઓનલાઈન મિટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. આ નવી વ્યવસ્થાઓને કારણે કામકાજમાં સરળતા રહી અને દેશે નવી ટેકનોલોજી તરફ ઝડપથી આગળ વધ્યું. તેમણે કહ્યું કે આ પદ્ધતિઓને આપણે હવે ફરીથી અપનાવવી જોઈએ, કારણ કે તે રાષ્ટ્રહિતમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલની પરિસ્થિતિમાં વિદેશી મુદ્રા બચાવવી અત્યંત જરૂરી છે. વૈશ્વિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ ઊંચા હોવાથી ભારતને ઇંધણ આયાત પર મોટો ખર્ચ કરવો પડે છે. તેથી દરેક નાગરિકે ઈંધણનો વ્યય ઘટાડીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.