-
રાબડાલ વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત
-
ધડાકા સાથે ટાયર ફાટતા મુસાફરોમાં અફરાતફરી સર્જાય
-
બસમાં સવાર 29 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોચી
-
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
-
પોલીસ, ફાયર હાઇવે ઓથોરિટી સહિતની ટીમ દોડી આવી
દાહોદના રાબડાલ વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર અચાનક ફાટી જતા બેકાબૂ બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 29 જેટલા મુસાફરો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના મોરબીથી મધ્ય પ્રદેશના ભોપાલ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને દાહોદના રાબડાલ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. રાબડાલ નજીક બસનું ટાયર અચાનક ફાટી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ રસ્તા પાસે આવેલા ખાડામાં ઉતરીને પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની 5 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને હાઈવે ઓથોરિટીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
