રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુલી જોડાયા હતા, જ્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વર્ચ્યુલી જોડાયા હતા, જયારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, કુલપતિ, ઉપ-કુલપતિ સહીતના અધિકારીઓ, સિન્ડિકેટ સભ્યો તેમજ દીક્ષાર્થ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પદવીદાન સમારોહમાં 13 ફેકલ્ટીઓના 37,123 જેટલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉચ્ચગુણાંક સાથે સિદ્ધિ હાંસલ કરનારા 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. કુલપતિ અને ઉપકુલપતિનો કાર્યકાળ તા. 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેમના કાર્યકાળ દરમ્યાનનો છેલ્લો પદવીદાન સમારોહ યોજાયો હતો. જોકે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું હતું.