રાજકોટ: યુવાને એક હાથમાં મોબાઈલ અને બીજા હાથથી સળગતી લાકડી લઈ અડધો કલાકમાં શિવાજી મહારાજનું ચિત્ર દોર્યું
યુવાને કોલસાની મદદથી માત્ર અડધો કલાકમાં લોખંડી પુરુષ સરદાર પટેલનું પણ 6 બાય 6 ફૂટનું ચિત્ર તૈયાર કરી આપ્યું હતું.

રાજકોટ શહેરમાં રહેતો યુવાન જય દવે કે જેને નાનપણથી જ કલા સાથે પ્રેમ થયો છે. તેને જીવનમાં ડગલે ને પગલે નવી કલા અને નવાં ચિત્રો જીવંત કરવાની રુચિ છે. શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ નજીક ફરવા જતા સમયે આ યુવાનને ફાયર આર્ટ કરવાનો વિચાર આવ્યો અને એક કોરી દીવાલ અને કેટલાક લાકડા નજીકમાં જોતા ફાયર આર્ટ ચિત્ર બનાવવાની ઈચ્છા થઈ.
આ ઈચ્છા પરીપૂર્ણ કરવા માટે તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું 6 બાય 6 ફૂટનું ચિત્ર માત્ર અડધો જ કલાકમાં બનાવી નાખ્યું. આ જોતાંની સાથે તેમના સૌ મિત્રો પણ ચકિત રહી ગયા હતા અને તેની કલાને બિરદાવી હતી. આમ સળગતી લાકડીમાંથી ચિત્ર એટલે કે કોલસામાંથી ભીંત ચિત્ર બનાવ્યું તેવું પણ કહી શકાય. શિવાજી મહારાજનું ચિત્ર આટલી જલદી બની ન શકે તેવું મિત્રોએ કહેતા જયએ બીજા દિવસે એ જ જગ્યા પર બાજુમાં કોલસાની મદદથી માત્ર અડધો કલાકમાં લોખંડી પુરુષ સરદાર પટેલનું પણ 6 બાય 6 ફૂટનું ચિત્ર તૈયાર કરી આપ્યું હતું. આ પછી તેમની કલાને બિરદાવી મિત્રોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.