રાજકોટ જિલ્લામાં ચાલતાં બાયોડીઝલના વેપલા સામે પોલીસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 5 જિલ્લામાંથી 27 સ્થળોએથી ભેળસેળયુકત બાયોડીઝલ ઝડપી પાડી કુલ ચાર કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ગેરકાયદેસર ભેળસેળયુક્ત બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ સહિત ગેરકાયદે બાયો ડીઝલના ચાલતા હાટડાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લાના પોલીસ વડાને પણ બાયો ડિઝલ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતાં. જે અન્વયે અત્યાર સુધીમાં 5 જીલ્લાઓમાં 120 થી વધુ જગ્યાએ રેઇડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
120 પૈકી 27 જગ્યાએ બાયોડીઝલના નામે વેચાતું ભેળસેળ યુક્ત પ્રવાહી ઝડપી લેવાયો છે. આઇપીસી અને એસેંસિયલ કોમોડિટી એક્ટ અંતર્ગત ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. 27 ગુના અંતર્ગત 35 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ રેન્જ આઇજીના તાબા હેઠળ આવતા 5 જિલ્લાઓમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.