રાજકોટમાં ફરી એક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 32 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
રાજકોટમાં ગુરૂવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 32 વર્ષીય વિજય મેર નામના યુવાનની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સરાજાહેર હત્યા થઈ રહી હોય તે પ્રકારના વિચલિત કરતાં સીસીટીવી પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે, હત્યાના ગુનાને અંજામ આપનાર બે જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારના રોજ વિજય મેર નામનો 32 વર્ષીય યુવક પોતાના ઘર પાસે મિત્ર ગોપીની સાથે મોબાઈલમાં રમી ગેમ રમી રહ્યો હતો. આ સમયે બાઈકમાં બે જેટલા શખ્સો ધસી આવ્યા હતા અને શખ્સોએ વિજય મેરને છરી અને ધારિયાના ઘા મારી તેની કરપીણ હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના કારણે આરોપીઓની ઓળખ કરવી સરળ બની હતી. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, વિજયની હત્યા તેનાજ વિસ્તારમાં રહેતા એક શખ્સ તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં બે પૈકી એક આરોપીએ જણાવ્યું છે કે, મૃતક વિજય મેર તેની દીકરીને ગત ઓકટોબર માસમાં અપહરણ કરી રાજસ્થાન સહિતની જગ્યાઓએ લઈ ગયો હતો. જે બાબત અંગે તેને પોલીસ ફરિયાદ બાદ વિજયની પોલીસે ધરપકડા કરી હતી અને વિજય વિરુદ્ધ પોક્સો તેમજ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે, એકાદ મહિના જેલમાં રહ્યા બાદ વિજય મેર જામીન પર છૂટ્યો હતો. બાદમાં આરોપીએ વિજયની અવારનવાર લુખ્ખાગીરી અને ધમકીઓથી કંટાળી ગયા બાદ વિજયનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત તેને પોતાના મિત્ર ની મદદ સાથે હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.