રાજકોટમાં કાળમુખી સીટી બસ
બસ ચાલકની બેફામ રફ્તારે સર્જ્યો અકસ્માત
પાંચથી વધુ વાહનોને અડફેટમાં લીધા
ચાર નિર્દોષ લોકોના નિપજ્યા કરૂણ મોત
લોકટોળાએ બસમાં કરી તોડફોડ
પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ
RMCએ આર્થિક સહાયની કરી જાહેરાત
રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ માતેલા સાંઢ માફક દોડતી સીટી બસના ચાલકે એક સાથે બે રિક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા.સર્જાયેલા આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,અને ચારથી વધુ ઘાયલ થયા હતા.રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોટ કરતા મામલો તંગ બન્યો હતો.
રાજકોટના ઇન્દિરા નગર સર્કલ પાસે સીટી બસ કાળમુખી બની હતી,સીટી બસના ચાલકે બસને માતેલા સાંઢની માફક દોડાવીને રિક્ષા,બાઈક સહિતના વાહનોને અડફેટમાં લીધા હતા,સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજુભાઈ ગીડા,સંગીતાબેન નેપાળી,કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ,ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટના કરૂણ મોત નિપજ્યા હતા,જયારે સુરજ ધર્મેશ રાવલ,વિશાલ રાજેશ મકવાણા,વિરાજબા મહાવીરસિંહ ખાચર,શિશુપાલસિંહ રાણા સહિતના લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો,અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી,પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોના રોષને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અકસ્માતની ઘટનાની કારણોની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના મામલેRMCમૃતકોને 15 લાખ,ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.