રાજકોટ : પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો હતો આપઘાત, ગ્રામજનોએ પાડ્યું સજ્જડ બંધ

વેગડી ગામે પ્રદુષણના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો, પાક નિષ્ફળ જતાં ધરતીપુત્રએ કરી લીધો હતો આપઘાત

New Update
રાજકોટ : પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો હતો આપઘાત, ગ્રામજનોએ પાડ્યું સજ્જડ બંધ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક વધી રહેલા પ્રદુષણના કારણે કપાસનો પાક નિષ્ફળ જતાં ધરતીપુત્રએ આપઘાત કરી લીધો હતો, ત્યારે આપઘાત કરનાર ખેડૂતને ન્યાય આપવાની માંગ સાથે વેગડીના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ધોરાજી નજીકના વેગડી ગામે કપાસનો પાક નિષ્ફળ જતા ભનુ જોરીયા નામના ખેડુતે આપઘાત કરી લીધો હતો. પ્રદુષણના કારણે ખેડુતનો પાક નિષ્ફળ જતા પોતાની વાડીના ઝાડ પર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ઝાડ પર લટકતી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે વેગડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી, ત્યારે આપઘાત કરી લેનાર ખેડૂતને ન્યાય આપવાની માંગ સાથે ગ્રામજનોએ સજજડ બંધ પાળી ગામના પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી લડતના મંડાણ કર્યા હતા. જેના પગલે તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો વેગડી ગામે દોડી આવ્યો હતો. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મૃતક ખેડૂતને સંતાનમાં 4 દીકરી છે, જ્યારે પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઉપરાંત વેગડી ગામમાં જ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. પરિવારમાં બાપની અને પતિની છત્રછાયા ગુમાવતા દીકરીઓ અને પત્ની પર જાણે આભ ફાટી પડ્યું હોય, અત્યારે પરીવારની અંદર કોઈ કમાવાવાળુ રહ્યું નથી. આવા દ્રશ્યો જોઈ હૃદય પણ કંપી ઊઠે, ત્યારે ઘણા સેવાભાવી વ્યક્તિઓ પરિવારની સેવા માટે આગળ આવ્યા છે. ડુમીયાણી ગામના સેવાભાવી વ્યક્તિ કે.સી.પટેલએ એક દીકરીને દત્તક લીધી હતી, જ્યારે બીજી દીકરીને વેગડી ગામના સરપંચએ દત્તક લીધી છે.

સાથો સાથ ગ્રામજનોએ અને સેવાભાવી લોકોએ અપીલ કરી છે કે, શક્ય હોય રીતે પરિવારના આર્થિક નિર્વાહ માટે બનતી મદદ માટે લોકો આગળ આવે તે વધુ જરૂરી છે. જોકે, સમગ્ર મામલે ગ્રામજનોએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારીને આવેદન પાઠવી પ્રદુષણને કારણે પાક બળી ગયો હોવાનું જણાવ્યુ હતું, ત્યારે અધિકારી દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી કે, પ્રદુષણ ફેલાવતા એકમોમાં ચેકીંગ કરવામાં આવશે. જો પ્રદુષણ ફેલાતું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories