Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : પરિણીતા ઘરમાં એકલી હતી અને આવી ગયો લૂંટારુ સાધુ, જુઓ પછી પરિણીતા સાથે શું બન્યું..!

સાધુના વેશમાં લૂંટારુ સાધુ આવ્યો હતો ભિક્ષા માંગવા, ઘરમાં એકલી પરિણીતાને લઈ લીધી પોતાની વાતમાં.

X

રાજકોટ શહેરમાં ઘણા કિસ્સાઓ અંધશ્રદ્ધાના સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક બનાવ બન્યો છે, જેમાં સાધુના વેશમાં આવેલ શખ્સે મહિલાને વિધિ કરવાના બહાને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી 19 તોલા જેટલા દાગીના તફડાવી લીધા હતા, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નકલી સાધુની ધરપકડ કરી છે.

રાજકોટમાં વિધિના બહાને મહિલાઓને યેનકેન પ્રકારે ભોળવી સાધુના સ્વાંગમાં આવતી ચીટર ટોળકી રોકડ, ઘરેણાં તફડાવી જતા હોવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. થોડા સમય પહેલા જ આવા એક ઠગને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યાં વધુ એક બનાવ તારીખ 18 ઓગસ્ટના રોજ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બનવા પામ્યો હતો.

બાપા સીતારામ ચોક, રામનગર-1માં રહેતા હેતલ લાઠિયા નામના પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા. 18ની બપોરે હું ઘરે હતી, ત્યારે એક સાધુ પાણી પીવાના બહાને ઘરે આવ્યા હતા. પાણી આપ્યા બાદ તે સાધુની વાતમાં આવી જતા પોતાને શારીરિક બીમારી હોવાની વાત કરી હતી. જેથી તે સાધુ પોતે શારીરિક બીમારી દૂર કરી દેશે, પણ તેના માટે વિધિ કરવી પડશે તેમ જણાવી દાગીના પણ વિધિમાં રાખવા પડશે તેવું કહ્યું હતું.

સાધુની આ વાતમાં આવી જતા વિધિ કરવાની તૈયારી દર્શાવી સોના-ચાંદીના 19 તોલા દાગીના તેની સામે રાખી મૂક્યા હતા. જે બાદ સાધુએ મને પાણી પીવડાવ્યું હતું, તે પાણી પી હું બેભાન થઈ ગઈ હતી, જ્યારે હોશ આવ્યો ત્યારે સામે રાખેલા ઘરેણાં ન હતા. જેથી પોતે છેતરાઈ જવાનો ખ્યાલ આવતા તાત્કાલિક ધોરણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ આ નકલી સાધુની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નક્કી સાધુ વિહા બેચર પરમાર નામના શખ્સની કાલાવડ રોડ મોટા મૌવા ગામ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી મહિલાના તફડાવેલ 19 તોલા દાગીના પણ જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સ સાધુ જેવો વેશ ધારણ કરી બપોરના સમયે જે ઘરમાં મહિલા એકલી હોય તેને શિકાર બનાવતો હતો. મહિલાને પોતાની વાતમાં ભોળવી વિધિનું બહાનું કરી તેને પાણીમાં કેફી પ્રવાહી પીવડાવી દેતો હતો. મહિલા બેહોશ થઈ જાય ત્યારબાદ ઘરમાં રહેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતો હતો. આ શખ્સ જે ઘરને ટાર્ગેટ બનાવતો ત્યાંથી થોડે દૂર પોતાનું બાઇક રાખતો અને જ્યારે કામ પુર્ણ જાય ત્યારે બાઇક લઈ ફરાર થઈ જતો હતો.

હાલ તો પોલીસે આ નકલી સાધુ પાસેથી મહિલાના તફડાવેલ સોના અને ચાંદીના ઘરેણાં રિકવર કર્યા છે. જોકે, આ નકલી સાધુ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, આવા કોઈપણ સાધુ-ભિક્ષુક આપની પાસે કઈ માંગે તો આપવું નહિ અને કઈ વસ્તુ ખવડાવે તો ખાવું નહીં. તો સાથે જ આવા સાધુનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

Next Story