ભાઇ અને બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધન પહેલાં બજારમાં ઇકો ફ્રેન્ડલી રાખડી બજારમાં આવી છે. રાજકોટના મહિલાએ અનોખી રાખડી બનાવી છે. આ રાખડીને કુંડામાં વાવેતર કરવાથી તુલસીનો છોડ ઉગશે.....
શ્રાવણ મહિનો આવતાની સાથે તહેવારોની શૃંખલા શરૂ થઇ જાય છે. આગામી રવિવાર તારીખ 22મી ઓગષ્ટના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. બહેનો પોતાના ભાઇની રક્ષા અને દીઘાર્યુની શુભકામના સાથે રાખડી બાંધશે.. હીંદુ સંસ્કૃતિ મુજબ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા પછી આપણે ત્યાં રાખડીને પવિત્ર છોડના કુંડા પાસે અથવા ભગવાનના મંદિરમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત રાખડીઓને નદીમાં પધરાવવાની પણ પરંપરા છે. રાજકોટના દિપ્તી ગાંધીએ રાખડીઓ કાયમ માટે સચવાઇ રહે અને ઘરનું વાતાવરણ પણ પવિત્ર બને તે માટે અનોખી રાખડી બનાવી છે. આ રાખડીને તુલસીના બીજમાંથી બનાવવામાં આવી છે.
દિપ્તીબેને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 3 વર્ષથી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓના નિર્માણકાર્ય સાથે જોડાયેલાં છે. દિવાળીના સમયે તેમણે ઇકો ફ્રેન્ડલી મીણબત્તી , ધુળેટીમાં ઇકો ફ્રેન્ડલી રંગ બનાવ્યાં હતાં. હવે રક્ષાબંધનના તહેવારમાં પ્રારંભિક તબક્કે 500 જેટલી રાખડીઓ બનાવી હતી જે પૈકી 400 જેટલી રાખડીઓનું વેચાણ વિદેશમાં જ થઈ ગયું છે. આમ, ઇકો ફ્રેન્ડલી રાખડી ને માત્ર આપણી સ્વદેશી ધરતી પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ વિદેશી ધરતી પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોનાના કહેરના કારણે ગત વર્ષે દરેક તહેવારની ઉજવણી ફીકકી પડી હતી. આ વર્ષે તહેવારોના સમયમાં કોરોનાના કેસ ઘટયાં છે જેને સારી બાબત કહી શકાય.. રક્ષાબંધનના પર્વએ ભાઇ અને બહેનના નિસ્વાર્થ પ્રેમની સાથે પર્યાવરણના જતનનો પણ સંકલ્પ લઇ ઉજવણીને યાદગાર બનાવીએ તો સાચા અર્થમાં સોનામાં સુગંધ ભળી જશે......