Connect Gujarat
રાજકોટ 

ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન, મંગળવારે મત ગણતરી

રાજયમાં 8 હજાર કરતાં વધારે ગામોમાં ચુંટણી અમુક બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ જોવા મળી

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ગ્રામ પંચાયતોની ચુંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતો લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં ખુબ મહત્વ ધરાવતી હોય છે. ગ્રામ પંચાયતોની ચુંટણી ભલે રાજકીય પક્ષોના બેનર પર લડાતી નથી પણ આ ચુંટણીઓ દરેક રાજકીય પક્ષો માટે ખુબ અગત્યની છે. રાજયની 8 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું. સરપંચ તથા વોર્ડ સભ્યો માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોના ભાવિ પર મતદારોએ મ્હોર મારી દીધી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 390 ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાઇ હતી. બેલેટ પેપરથી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું પણ બોરણા ગામે સરપંચ તથા સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં મતદાન અટકી પડયું હતું. પોલીસ કાફલાએ દોડી આવી મામલો થાળે પાડયાં બાદ મતદાન ફરીથી શરૂ થયું હતું.

સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજય સરકારના મંત્રી મુકેશ પટેલે પોતાના વતન નધોઇ ગામે મતદાન કર્યું હતું.

વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર અને ફરજ પરના પોલીસકર્મી વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. મતદાન મથકમાં મોબાઇલ લઇ જવા માટે બિચકેલો મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પોલીસે મતદારને બેરહેમીપુર્વક ફટકાર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કોન્ટેબલને અન્ય બુથ પર મોકલી આપ્યો હતો.

દેવભુમિ દ્વારકામાં ચાર તાલુકામાં 128 ગ્રામ પંચાયતોમાં ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચુંટણી પહેલાં 28 ગ્રામ પંચાયતો સમરસ બની હતી. બાકી રહેલી ગ્રામ પંચાયતો માટે રવિવારના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કોરોનાની ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે મતદાન કરાવવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં પણ પંચાયતી રાજના મહાપર્વમાં મતદારો ઉત્સાહભેર જોડાયાં હતાં.સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઇ હતી. આખા દિવસ દરમિયાન છુટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. ખાંભામાં મતદાન કરવા માટે આવેલાં એક વૃધ્ધા પડી જતાં તેમને સારવાર માટે ખસેડાયાં હતાં.

જુનાગઢ તાલુકાના માખીયાળામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકો સ્વેચ્છાએ મતદાન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની વ્યવસ્થા સાથે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે 18 વર્ષથી ઉપરના હોય તેવા અને પ્રથમ વખત મતદાન કરતા હોય તેવા યુવાનો પણ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.

અરવલ્લી જિલ્લામાં 193 ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાઇ હતી. 639 મતદાન મથકો ખાતે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સરપંચ માટે 740 અને સભ્યો માટે 2239 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ ગયો છે.

આણંદ જિલ્લામાં તારાપુર, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ અને આંકલાવમાં વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ હતી. જિલ્લાની 180 ગ્રામ પંચાયતો માટે મતદાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લામાં ફુલગુલાબી ઠંડી વચ્ચે સવારથી મતદાન મથકો ખાતે મતદારોની કતાર લાગી હતી. આણંદના ચિખોદરા ગામની ચુંટણીમાં બે આગેવાનો વચ્ચેનો જંગ રસપ્રદ બન્યો છે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ હતી. જેસાવાડાની વાત કરવામાં આવે તો નવીનકુમાર વિકલાંગ હોવા છતાં મત આપવા પહોંચ્યાં હતાં. નવીનભાઇ જેવા મતદારો જ લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે.

પાટણ જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરાયો હતો. 152 ગામોમાં સરપંચ માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની સંખ્યા 463 છે જયારે વોર્ડ સભ્યો માટે ઉમેદવારોની સંખ્યા 968 છે. જિલ્લાની કુલ 22 ગ્રામ પંચાયતો સમરસ થઇ ચુકી છે. પાટણમાં ઠંડીના જોરના કારણે સવારે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી.

મધ્ય ગુજરાતમાં પણ ગ્રામ પંચાયતોની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો હતો. વડોદરા જિલ્લાના ગામડાઓમાં લોકશાહીના મહા પર્વમાં મતદારોએ ઉમંગ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.

નવસારીમાં ગ્રામ પંચાયતોની ચુંટણી દરમિયાન અનેક સ્થળોએ આચારસંહિતા ભંગની ફરિયાદો ઉઠી હતી. જિલ્લાની 308 ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાઇ હતી. ચીખલી તાલુકાના વંકાલ ગામે સરપંચના ઉમેદવાર દક્ષાબેન પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરીયાદો ઉઠી હતી. ચીખલીના મજીગામ ખાતે મતદાન માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જલાલપોર તાલુકાના સંવેદનશીલ ડાભેલ ગામમાં મતદાન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલે મજીગામ ખાતે મતદાન કર્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ મતદાન શરૂ થઇ ગયું હતું. જિલ્લાની 228 ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાઇ હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન માટે ઉમટી પડયાં હતાં. વલસાડ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજવામાં આવી હતી.

રાજયના સરહદી જિલ્લા કચ્છમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇ મતદારોમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો.કચ્છ જિલ્લામાં 361 ગ્રામ પંચાયતમાં સરપંચની 345 અને સભ્યોની 2125 બેઠકો માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભુજ તાલુકાના સુખપર ગામમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી મતદારો મતદાન માટે ઉમટી પડયાં હતાં. પટેલ ચોવીસીના ગામોમાં સવારથી જ મતદાન માટે મતદારોની ધસારો જોવા મળ્યો હતો...કચ્છનાં પ્રવેશદ્વાર એવા ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે પણ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો... અંજાર તાલુકાના અંતરજાળ ગામે 101 વર્ષના માજીએ મતદાન કર્યું હતું

Next Story