ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો. સૂર્ય, મંગળ, બૃહસ્પતિ, શુક્ર અને શનિના ઉચ્ચ રાશિમાં સ્થિત હોવાથી રાજયોગ અને પંચમહાપુરૂષ યોગ પણ બન્યો હતો. આ ગ્રહોના શુભ પ્રભાવથી ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના અવતાર એટલે મર્યાદા પુરૂષોત્તમ સ્વરૂપે જ્ઞાની, તેજસ્વી અને પરાક્રમી પુત્રનો જન્મ થયો હતો, ત્યારે આ વર્ષે તા. 21 એપ્રિલ, બુધવારના રોજ શ્રીરામ જન્મોત્સવનો પર્વ ઉજવવામાં આવશે.
જોકે, 9 દિવસના ચૈત્ર નોરતાના ઉત્સવનો છેલ્લો દિવસ રામ નવમી છે. આ પર્વને લોકો ભગવાન રામના જન્મ તરીકે ઉજવે છે. આ દિવસે લાખો ભક્તો રામાયણનો પાઠ કરે છે. આ દિવસને લઇને માન્યતા છે કે, કોઇ પણ મુહૂર્ત જોયા વિના દરેક પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે. આ મહાપર્વ પર શ્રીરામ દરબારની પૂજા કરવામાં આવે છે. જેમાં માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી પણ સામેલ છે. રામનવમીએ પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે. શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. આ વાત રામાયણ સાથે જ લિંગ, નારદ અને બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખવામાં આવી છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ પણ થાય છે. એટલે જ, આ દિવસે શ્રીરામ સાથે-સાથે માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે.
રામનવમીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ રામભક્તો શ્રીરામની પુજા અર્ચના કરવામાં જોતરાય છે. જેમાં ભક્તો સવારે જલ્દી જાગીને ઘરની સાફ-સફાઈ કરી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરે છે. ઘર, પૂજાઘર અથવા મંદિરને ધજા, પાતકા અને તોરણ વગેરેથી સજાવે છે. ઘરના આંગળે રંગોળી બનાવે છે. મનવમીની પૂજામાં પહેલા રામ દરબાર એટલે બધા દેવતાઓ ઉપર જળ, રોલી અને લેપ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ મૂર્તિઓઓ ઉપર ચોખા ચઢાવવા અને સુગંધિત પૂજન સામગ્રી ચઢાવ્યા બાદ રામ લલ્લાની આરતી કરવામાં આવે છે. રામનવમીએ પૂજા માટે પૂજા સામગ્રીમાં રોલી, ચંદન, ચોખા, સ્વચ્થ જળ, ફૂલ, ઘંટ અને શંખ સાથે શ્રદ્ધા પ્રમાણે અન્ય પૂજન સામગ્રી સાથે પુજા સંપન્ન કરવામાં આવે છે. જોકે કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી અનેક મહોત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે આ વર્ષે પણ શ્રીરામ મહોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે.