માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્યમાં હજુ 2 દિવસ હિટવેવની અસર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌથી વધુ અમરેલીમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યાપક ગર્મી પડવાની સંભાવના છે.

તો બીજી તરફ હોળીની જ્વાળા જોઈ આગાહી કરવામાં આવી છે કે, આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે. તા. 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાન પણ લાવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ રાજકોટમાં તો અતિશય ગરમીની આગાહી કરવામાં આવી છે. પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં હિટવેવની અસર રહેશે તેમ પણ આગાહી કરી હતી, ત્યારે આવનારા દિવસોમાં અમદાવાદમાં કાળઝાળ ગરમી પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. જેને કારણે અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આગામી સમયમાં અમદાવાદમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે.