ચુરમાના લાડુ બનાવતી વખતે ખાસ કાળજી રાખવી પડે છે. જો પરફેક્ટ માપ અને રીત અનુસાર લાડુ ન બનાવવામાં આવે તો લાડુ જોઈએ તેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતા નથી. તેથી જરુરી છે કે લાડુ પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર બનાવવામાં આવે.
હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજા કરવાની સાથે હનુમાન ભક્તો તેમને ચુરમાના લાડુનો ભોગ પણ ધરાવે છે. આજે તમને ઘરે પરફેક્ટ માપ સાથે લાડુ કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ. આ રીતે લાડુ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે.
લાડુ બનાવવાની સામગ્રી
- ભાખરીનો લોટ – 4 કપ
- ઘી – 2 કપ
- ગોળ – 4 કપ
- કાજુ, બદામના ટુકડા
- કિસમિસ અડધી વાટકી
- ખસખસના બી
- તળવા માટે ઘી અથવા તેલ
લાડુ બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઈ તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો. તેને 10 મિનિટ માટે ભીનું કપડું ઢાંકીને રેસ્ટ આપવો. 10 મિનિટ પછી તેની નાની નાની બાટી બનાવી લેવી. ત્યાર બાદ આ બાટીને ગરમ ઘી અથવા તેલમાં ધીમા તાપે તળી લેવી. ગેસ ની ફ્લેમ સ્લો રાખવી જેથી બાટી અંદરથી પણ સરખી તળાઈ જાય. બાટી તળાઈ જાય પછી તેને ઠંડી થવા દેવી. ઠંડી થઈ જાય પછી બાટીના નાના નાના ટુકડા કરી મિકસરમાં પીસી લેવા. મિકસરમાં પિસ્યા પછી જે ચૂરમું તૈયાર થાય તેમાં કાજુ,બદામ અને કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ત્યાર પછી એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં ગોળની પાઇ તૈયાર કરો. ગોળ બરાબર ઓગળી જાય પછી તેમાં તૈયાર કરેલ લોટમાં તેને ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. લોટમાં ગોળ મિક્સ કર્યા પછી તેમાં એક ચમચી ઘી ઉમેરી તેમાથી લાડુ તૈયાર કરો. બધા જ લાડુ તૈયાર થઈ જાય પછી તેના પર ખસખસ લગાડો. તો તૈયાર છે તમારા ભોગમાં ધરવા માટેના ચુરમાના લાડુ