સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય, સદીઓ જૂનાં ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થાનિક સમુદાયના ઉત્થાન સાથે ‘જવાબદાર ઇકો-ટુરિઝમ’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. પ્રવાસન અને વન વિભાગના સુનિયોજિત સંચાલનથી જૈવવિવિધતાના જતન સાથે પ્રવાસીઓ પ્રકૃતિનો સુરક્ષિત આનંદ માણી રહ્યા છે, જે સ્થાનિક પરિવારો માટે આજીવિકાનું સશક્ત માધ્યમ પણ બન્યું છે. ચોમાસામાં લીલીછમ વનરાજી વચ્ચે વહેતી હરણાવ અને વણજ નદીઓ, ધુમ્મસભરી ટેકરીઓ તેમજ મનોહર ટ્રેકિંગ રૂટ્સ રાજ્યભરના પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

અહી, 15મી સદીના પ્રાચીન હિન્દુ-જૈન મંદિરો, સતી સ્મારકો અને કલકલ વહેતાં ઝરણાં આ વનને અનોખી ઓળખ આપે છે. અહીં સ્થાનિક આદિવાસી યુવાનો કુશળ ગાઇડ તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે મહિલા સંચાલિત સ્ટોલ્સ દ્વારા પરંપરાગત વાનગીઓ પીરસીને પરિવારો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહ્યા છે. પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ, સુચારુ કચરા વ્યવસ્થાપન અને સઘન સુરક્ષા વ્યવસ્થાને કારણે પોલો ફોરેસ્ટ આજે પર્યાવરણ સંરક્ષણ તથા ગ્રામીણ સશક્તિકરણનું પ્રેરણાદાયી કેન્દ્ર બન્યું છે.