/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/13124822/129634-ujkscbtmci-1571835252.jpg)
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીને આશા છે કે, ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ક્વોરન્ટાઈનના સમયમાં રાહત આપવામાં આવશે. ગાંગુલીએ કહ્યું કે, અમે નથી ઈચ્છતાં કે ખેલાડીઓ આટલે દૂર જાય અને ત્યાર બાદ બે સપ્તાહ માટે હોટલમાં બેસી રહે. ગાંગુલી ઈચ્છે છે કે, ઓસ્ટ્રેલિયાની સરકાર ભારતીય ટીમ માટે ક્વોરન્ટાઈનના નિયમને હળવો બનાવે અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ બે સપ્તાહથી ઓછો સમય ક્વોરન્ટાઈન રહ્યા બાદ રમવા ઉતરે.
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં મેલબોર્નમાં કોરોનાના કેસમાં વધારો આવ્યો છે અને ત્યાં કેટલાક વિસ્તારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગાંગુલીએ કહ્યું કે, મેલબોર્નને બાદ કરતાં ઓસ્ટ્રેલિયામાં તેમજ ન્યૂઝીલેન્ડમાં પરિસ્થિતિ ઘણી સારી છે. આ કારણે અમે ક્વોરન્ટાઈનના સમયમાં રાહત મળે તેવી આશા રાખી રહ્યા છીએ. અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસને મંજૂરી આપી દીધી છે અને ડિસેમ્બરમાં અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાના છીએ. અને અમને આશા છે કે, અમારા ક્રિકેટરોને ઓછા દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું પડે.