અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.ખરોડ – બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.

અંકલેશ્વર તાલુકાના ખરોડ – બાકરોલ રોડ તરફ જતા મસ્જિદ સામે ખુલ્લા ખેતરમાં ઝાડ પાસે અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિક દ્વારા આ અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરી હતી. જેની જાણ થતા પી.આઈ. શિલ્પા દેસાઈ તેમજ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં મૃતદેહ જોતા જ ઓળખ સંભવ ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેને લઇ મૃતક ઈસમ ક્યાંથી આવ્યો હોઈ શકે તે જાણવા માટે ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઈ હતી. તેમજ પોલીસે મૃતદેહમાં કોઈ ઈજા છે કે કેમ તે અંગે ચકાસવા માટે એફ.એસ.એલ અને અન્ય ટેક્નિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. અને મૃતદેહને પેનલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ઈસમની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસ મથક તેમજ આજુબાજુના ગામમાં ગુમ ઈસમો અંગેની માહિતી એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી.