ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક કારચાલકે દારૂના નશામાં બેફામ કાર હંકારી રોડ પરના વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી છે.અકસ્મામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.ઇજાગ્રસ્તોના આક્ષેપ મુજબ, કારચાલક નશાની હાલતમાં હતો. કારચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે.કારચાલકે અનેક વાહનોને અડફેટે લેતા વાહનોને પણ મોટું નુકસાન થયું હતું.ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જાહેર માર્ગો પર નશામાં વાહન ચલાવતા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
