સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેએ આજે 92 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓને 11 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી હતી. હોસ્પિટલના ડૉ. પ્રતીત સમદાનીએ પણ તેમની સારવાર ચાલી રહી હોવાની પુષ્ટિ કરી હતી.
આશા ભોસલે ભારતીય સંગીત જગતમાં એક એવું નામ છે જે સાત દાયકાથી વધુ સમય સુધી પોતાની અનોખી ગાયકીથી શ્રોતાઓના દિલમાં વસેલું રહ્યું. તેમણે 1943માં માત્ર 10 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત મરાઠી ફિલ્મ *માઝા બલ*થી કરી હતી. શરૂઆતમાં તેમને નાના બજેટની ફિલ્મોમાં ગાવાની તક મળતી હતી પરંતુ તેમની મહેનત અને પ્રતિભા દ્વારા તેઓ ધીમે ધીમે બોલીવુડમાં મજબૂત સ્થાન બનાવી શક્યા. ગઝલ, ભજન, પૉપ અને પ્લેબેક સિંગિંગ જેવી વિવિધ શૈલીઓમાં તેમણે પોતાનો જાદુ ચલાવ્યો. 12 હજારથી વધુ ગીતો ગાઈને તેમણે સંગીત ક્ષેત્રમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
