• સાવધાન!તમે જે ઘી ખાઓ છો તે અસલી છે કે નકલી?

  • સુરતમાં 2000 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત

  • વિદુર ગાયના ઘીના નામે લોકો સાથે છેતરપિંડી

  • વનસ્પતિ તેલ અને કલર ભેળવી બનાવાતું હતું ઝેર

  • 36 લાખનો મુદ્દામાલ જપ્ત,બે શખ્સો પોલીસ સકંજામાં 

સુરત શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે સચિન વિસ્તારના એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. ગાયના શુદ્ધ ઘીના નામે અહીં વનસ્પતિ તેલકલર અને એસેન્સ ભેળવીને ડુપ્લીકેટ ઘી તૈયાર કરવામાં આવતુ હતું.

આ નકલી ઘીને વિદુર ગાયનું ઘી‘ ના નામે બજારમાં વેચવામાં આવતું હતું. આરોપીઓ 600 થી 1000 રૂપિયાના ભાવે આ ડુપ્લીકેટ ઘી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના ઢાબાનાની રેસ્ટોરન્ટ અને છૂટક વેપારીઓને પધરાવી દેતા હતા. છેલ્લા બે વર્ષથી આ નેટવર્ક ધમધમી રહ્યું હતું.

આ કાર્યવાહીમાં પોલીસે અંદાજિત 2029 કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થોરો-મટીરીયલ અને મશીનરી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ પોલીસે ભરત પોલરા અને અમીન વાઢવણીયા નામના બે શખ્સોની અટકાયત કરી છે.

પાલિકાના આરોગ્ય વિભાગે અલગ-અલગ ઘીના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા આ તત્વો સામે પોલીસે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.