ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બુધવારે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલના પહેલા દિવસે એક અનોખી DRS ડિમાન્ડ કરી હતી. રમતના પહેલા સેશનમાં રોહિત શર્માએ પીઠ પાછળ હાથ વડે ડીઆરએસ ઈશારો કર્યો જેનાથી મોહમ્મદ શમી દંગ રહી ગયો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ WTC ફાઇનલમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટ્રેવિડ હેડ (146*) અને સ્ટીવ સ્મિથ (95*)ની શાનદાર ઇનિંગ્સની મદદથી કાંગારૂ ટીમે પહેલા દિવસે સ્ટમ્પ સુધી 85 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા. અત્યાર સુધી હેડ અને સ્મિથ વચ્ચે ચોથી વિકેટ માટે 251 રનની અણનમ ભાગીદારી થઈ છે. જોકે, મેચ દરમિયાન એક દ્રશ્યે બધાનું ધ્યાન ખેંચ્યું અને તે હતું રોહિત શર્માની ડીઆરએસની માંગ. ભારતીય ટીમનો મીડિયમ પેસર શાર્દુલ ઠાકુર ઇનિંગની 18મી ઓવર કરી રહ્યો હતો. તેનો બોલ માર્નસ લાબુશેનના પેડ પર વાગ્યો હતો. ભારતીય ટીમે LBW માટે જોરદાર અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે બેટ્સમેનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ટીમે ડીઆરએસ લેવાનું વિચારવાનું શરૂ કર્યું. રોહિતને લાગ્યું કે, બોલ મિડલ સ્ટમ્પ લાઇન પર છે અને તેને LBW મળી શકે છે. પછી તેણે અમ્પાયર તરફ જોયું નહીં, પરંતુ તેની પીઠ પાછળ હાથ રાખીને ડીઆરએસની માંગ કરી. રિપ્લેમાં પણ નિર્ણય ભારતીય ટીમની તરફેણમાં આવ્યો ન હતો, પરંતુ રોહિતની આ અનોખી શૈલી ચાહકોને પસંદ આવી હતી.