ભારતીય ટીમ પાસે રવિવારે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં શ્રેણી જીતવાની તક છે. ભારતીય ટીમ 2013થી ઓસ્ટ્રેલિયાને તેની ઘરેલુ T20 શ્રેણીમાં હરાવી શકી નથી. 2007 અને 2013માં તેણે એક-એક મેચની શ્રેણી જીતી હતી. જો ટીમ આ વખતે શ્રેણી જીતશે તો તે નવ વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે કાંગારૂઓને હરાવી શકશે. 2017-18માં શ્રેણી 1-1થી ડ્રો રહી હતી અને 2018-19માં ઓસ્ટ્રેલિયાએ 2-0થી જીત મેળવી હતી.
ભારતે શુક્રવારે વરસાદથી પ્રભાવિત બીજી T20માં 6 વિકેટથી જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. ભારતીય ટીમને આશા છે કે બોલર હર્ષલ પટેલ અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રવિવારે પોતાના ફોર્મમાં પરત ફરશે. તે આવતા મહિને યોજાનાર વર્લ્ડ કપ પહેલા પણ જરૂરી છે. અક્ષર પટેલે આઠ ઓવરની છેલ્લી મેચમાં સારો દેખાવ કર્યો અને તેની બે ઓવરમાં બે વિકેટ લીધી હતી.