ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવાર (12 જુલાઈ)થી બે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી ન હતી અને ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેના બંને ઓપનરને પેવેલિયન મોકલી દીધા હતા. અશ્વિને પહેલા દિવસે લંચ સુધી બે વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે તેજનારીન ચંદ્રપોલને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો.
અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટને પણ આઉટ કર્યો હતો. તેણે તેજનારિનને ક્લીન બોલ્ડ કર્યો હતો. જે બાદ બ્રેથવેટ કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તેજનારીન ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલનો પુત્ર છે. અશ્વિન પણ તેની સામે રમ્યો છે અને તેને ચાર વખત આઉટ કર્યો છે. અશ્વિને 2011 અને 2013માં આઠ ઇનિંગ્સમાં ચાર વખત ચંદ્રપોલને પેવેલિયન મોકલ્યો હતો.
અશ્વિન ચંદ્રપોલ બાદ હવે તેના પુત્રને પણ આઉટ કર્યો છે. પિતા બાદ પુત્રને ટેસ્ટમાં આઉટ કરનાર તે પ્રથમ ભારતીય બોલર છે. આવું કરનાર અશ્વિન વિશ્વનો પાંચમો ખેલાડી છે. તેના પહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈયાન બોથમ, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વિસમ અકરમ, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને દક્ષિણ આફ્રિકાના સિમોન હાર્મર આવું કરી ચુક્યા છે.