/connect-gujarat/media/post_banners/bf2e6965653cd9933c48a1b144f2893fe1e53981ebaf079e064c9facae1affae.webp)
હાલ ચાલી રહેલા ICC વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી તા. 19 નવેમ્બરના રોજ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે હાજર રહેશે.
અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન મોદી ખાસ હાજર રહેવાના છે. હજુ સુધી વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવ્યો નથી. પરંતુ આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવશે, તેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીકે જણાવ્યું હતું. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સને પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આશા છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી PM પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે આવશે. જોકે, હજુ બન્ને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે, જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે. તો બીજી તરફ, મેચને લઇને શહેર પોલીસ છાવણીમાં ફરવાશે તે નક્કી છે. અનેક VVIP મેચ નિહાળવા આવી શકે છે, તથા છઠ પૂજા હોવાના કારણે ઇન્દિરા બ્રિજ ખાતે પણ લોકોની ભીડ રહેશે, જેથી બન્ને સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એરપોર્ટથી સ્ટેડીયમ સુધી VVIP મૂવમેન્ટ રહેશે. વિશ્વકપની ક્લોઝિંગ સેરમેનીને લઈ બોલીવુડ સ્ટાર પણ આવશે. દિગ્ગજોની હાજરીના કારણે નેશનલ એજન્સીઓ અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે.