/connect-gujarat/media/media_files/2026/02/11/crsfsd-2026-02-11-15-39-24.png)
2026 T20 વર્લ્ડ કપની 13મી મેચ ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક મેચોમાંની એક સાબિત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચનું પરિણામ એક નહીં પણ બે-બે સુપર ઓવર બાદ આવ્યું, જેમાં અંતે દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો.
સ્કોર થયો ટાઈ
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. 188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોર સરખો થતા મેચ સુપર ઓવરમાં પ્રવેશી હતી.
પહેલી સુપર ઓવર: ફરી એકવાર બરોબરી
અફઘાનિસ્તાનની બેટિંગ: અઝમત અને ગુરબાઝ મેદાનમાં ઉતર્યા. અઝમતે આક્રમક બેટિંગ કરતા એક સિક્સ અને બે ચોગ્ગાની મદદથી અફઘાનિસ્તાનને 17 રન સુધી પહોંચાડ્યું.
દક્ષિણ આફ્રિકાનો વળતો પ્રહાર: 18 રનના લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકા પણ 17 રન જ બનાવી શક્યું. ટ્રિસ્ટન સ્ટબ્સે છેલ્લા બોલ પર ગગનચુંબી છગ્ગો ફટકારીને સ્કોર બરાબર કર્યો અને મેચને બીજી સુપર ઓવરમાં ખેંચી ગયા.
બીજી સુપર ઓવર: દક્ષિણ આફ્રિકાનો દબદબો
બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી:
ટ્રિસ્ટન સ્ટબ્સે સિક્સર સાથે શરૂઆત કરી.
ડેવિડ મિલરે ચોથા અને પાંચમા બોલ પર સતત બે સિક્સર ફટકારી ટીમને 23 રનના મજબૂત સ્કોર પર પહોંચાડી.
અફઘાનિસ્તાનનો સંઘર્ષ અને ગુરબાઝની હેટ્રિક
24 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી. કેશવ મહારાજે બીજા જ બોલ પર મોહમ્મદ નબીને શૂન્ય રને આઉટ કર્યો. જોકે, ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝે અકલ્પનીય બેટિંગ કરતા સિક્સરની હેટ્રિક ફટકારી મેચમાં ફરી જીવ ફૂંક્યો હતો.
અંતિમ બોલ પર અફઘાનિસ્તાનને જીતવા માટે 6 રનની જરૂર હતી. કેશવ મહારાજે દબાણ વચ્ચે એક વાઈડ બોલ ફેંક્યો, પરંતુ છેલ્લા બોલ પર ગુરબાઝ મિલરના હાથે કેચ આઉટ થયો. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ આ રોમાંચક જંગ જીતી લીધો હતો.