/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30174857/maxresdefault-260.jpg)
સુરત શહેરના અડાજણ વિસ્તારની એક દુકાનમાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે બ્લાસ્ટની ઘટનામાં એક યુવક ગંભીર રીતે સળગીને દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકનો તરફડિયાં મારતો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ આવેલ ધોબીના ખાંચામાં મીત આર્ટ નામની દુકાનમાં અચાનક ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં રહેલ રેડિયમ કટિંગના મશીનમાં એકાએક આગ લાગી હતી. જેના કારણે થયેલો બ્લાસ્ટ એટલો વિસ્ફોટક હતો કે, રેડિયમ કટિંગનું કામ કરનાર યુવકને પણ ગંભીર ઇજા પહોચી હતી. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાંની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો સાથે જ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોચી ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણસર લાગી અને ઈજાગ્રસ્ત કોણ છે તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ, ત્યારે બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.