અમદાવાદની પતંગ હોટેલના માલિકની સુરતમાં ધરપકડ
કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર જ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો
લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાના કૌભાંડને આચર્યું
15 લોકો પાસેથી પ્લોટના નામે રૂપિયા 1.56 કરોડ પાડાવ્યા
આરોપીએ પ્લોટના વેચાણ-બુકિંગ શરૂ કરી ગેરમાર્ગે દોર્યા
સુરતના કામરેજ વિસ્તારમાં જમીન તેમજ પ્લોટના નામે લોકો સાથે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિકની કામરેજ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી જેલના હવાલે કરવામાં આવ્યો છે.
કામરેજ પોલીસ મથકમાં એપ્રિલ 2026’માં નોંધાયેલા ગુના મુજબ ઉમંગ ઠક્કરે ખોલવડ ગામમાં ‘સહજાનંદ નિર્વાણા’ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો. તે જમીન વર્ષ 2018’માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આરોપીએ ખુલ્લા પ્લોટના વેચાણ અને બુકિંગ શરૂ કરી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
આરોપીએ 15થી વધુ ફરિયાદીઓને પ્લોટ આપવાના વાયદા કરી તેમની પાસેથી રૂ. 1 કરોડ 56 લાખ વસૂલ્યા હતા. પરંતુ ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી, અને ન તો ફરિયાદીઓના નાણાં પરત આપવામાં આવ્યા. જોકે, લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભોગ બનનારાઓએ પોલીસનો આશરો લીધો હતો. ભોગ બનનારોની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી લાંબા સમયથી પોતાના પ્રભાવ અને રાજકીય પહોંચનો ઉપયોગ કરી પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના હવાલે કર્યો છે.
