ભરૂચના આમોદનો બનાવ

પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની કરી ધરપકડ

ટીડીઓએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

તાલુકા પંચાયત સભ્યની પણ ધરપકડ

ભરૂચ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્યોની પોલીસે ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હતી જેના પગલે આમોદના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે સરકારી કામમાં રુકાવટ અને ધમકી આપી હોવાની  આપવામાં આવેલી ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડના સમાચાર પ્રસરી જતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં પણ ચર્ચા તેજ બની હતી.

ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોની પોલીસ મથકે હાજરીને પગલે પોલીસ મથક બહાર રાજકીય માહોલ ગરમાયો હતો. હાલ આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.