સુરતના ખરવાસા ગામમાં આવેલાં મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. સવારે ચોરીની જાણ થયા બાદ ગામલોકોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં ખેતરમાંથી તુટેલી હાલતમાં દાનપેટી મળી આવી હતી.
કોરોનાકાળમાં હવે ધીમે ધીમે ચોરીના બનાવો વધી રહયાં છે. શહેરો કરતાં ગામડાઓમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે. તસ્કરો હવે મકાનોની સાથે મંદિરોને પણ નિશાન બનાવી રહયાં છે. પોલીસ નાઇટ કરફયુના અમલમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. સુરતના ખરવાસા ગામમાં મંદિર આવેલું છે. રાત્રીના અઢી વાગ્યા બાદ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાંથી આખે આખી દાનપેટી ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. તસ્કરોએ દાનપેટીમાં રહેલા રૂપિયાની ચોરી કરી દાનપેટીને ખેતરમાં ફેકી દીધી હતી. બીજા દિવસે મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ થતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં તસ્કરો મંદિરમાં ચોરી કરતા નજરે ચડ્યા હતા. આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી છે.