કરજણ નજીક નેશનલ હાઈવે નં. 48 પરની ઘટના

ટિબિયા કંપની નજીક ઇન્ડિયન CNG પંપ પર બ્લાસ્ટ

CNG પંપ પર કારમાં અચાનક જોરદાર ધડાકો થયો

એક વ્યક્તિને ઈજા, જ્યારે 3 વાહનોને મોટું નુકસાન

મોટી જાનહાનિ ટળી, ઘટનાના CCTV ફૂટેજ વાયરલ

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલ CNG પંપ ખાતે કારમાં અચાનક બ્લાસ્ટ થતાં એક વ્યક્તિને ઈજા પહોચી હતી, જ્યારે 3 વાહનોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે નં. 48 પર ટિબિયા કંપની નજીક આવેલા ઇન્ડિયન CNG પંપ પર કારમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટ બાદ CNG પંપ પર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, કારડીનો પાછળનો અને વચ્ચેનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે કારમાં રહેલી CNG ટેન્કના 2 ટુકડા થઈ ગયા હતા.

બ્લાસ્ટ બાદ ટેન્કનો એક ટુકડો પંપ પર જ પડ્યો હતો, જ્યારે અન્ય ટુકડો હવામાં ફંગોળાઈ દૂર જઈ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ધડાકાની તીવ્રતાના કારણે કારને પણ મોટું નુકસાન થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, બ્લાસ્ટ સમયે કારની પાછળ રહેલા અન્ય 2 વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, ત્યારે હાલ તો ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.